ક્યાં આરો ઓવારો હો જી
ઉતારશું ક્યાં ભારો હો જી
થોડી ઠોકર થોડાં ફૂલો
સપનાનો અણસારો હો જી
પહોંચી જાશો સામે પાળે
સ્હેજ તમે જો ધારો હો જી
આમ સાચવીને શું કરશું?
જળ જેવો જન્મારો હો જી
એ કેડીથી ગુમ થવાનું
વારા ફરતી વારો હો જી
-અઝીઝ ટંકારવી
ક્યાં આરો ઓવારો હો જી
ઉતારશું ક્યાં ભારો હો જી
થોડી ઠોકર થોડાં ફૂલો
સપનાનો અણસારો હો જી
પહોંચી જાશો સામે પાળે
સ્હેજ તમે જો ધારો હો જી
આમ સાચવીને શું કરશું?
જળ જેવો જન્મારો હો જી
એ કેડીથી ગુમ થવાનું
વારા ફરતી વારો હો જી
-અઝીઝ ટંકારવી
શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યાંકનાં નૂપુર.
હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીના નૂર.
મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.
- હરીન્દ્ર દવે
આંખનું દર્પણ બની એની સાથે રહી ચૂકી છું.
જીવન અર્પણ કરી એની સાથે રહી ચૂકી છું.
કાંટાળા પંથક પર ચાલી એનાથી દૂર થઈ ચૂકી છું.
જીવનના અંત સુધી ચાલી એનાથી દૂર થઈ ચૂકી છું.
- જાગૃતિ વાલાણી
તું જ્યારે મા કહીને બોલાવે છે
મારામાં હું જીવી ઊઠું છું
આખું આકાશ એક જ પળમાં
મારી હથેડીમાં સમાઈ જાય છે
જ્યારે તને વિચારું છું
તારા ઓરડાની બારીએથી
દૂર દૂર સુધી મને શોધતી
તારી આંખો અને તને પામું છું
શું એ સમયે તારા માથા પર
ફરતો મારો હાથ તને સ્પર્શે છે?
કોઈ રાતે જ્યારે તને ઊંઘ નહિ આવતી હોય
અને તું તારાઓ તરફ જાગતી આંખે તાકતો હશે
રાતરાણીની સુંગધ ભરી હવા અને
મારી તને સૂવડાવવાની નાકામ કોશિશ
શું એ વખતે મારી લાચારી તને સ્પર્શે હશે?
અને…અને એ મારું
રોજ સવારના આવવા પહેલા જ
તને ઉઠાડવાનું શરૂ કરવું
શું એ વખતે મારા લાડ અને મસ્તી તને સ્પર્શે છે?
મારા બાળક, તું જાણે છે?
તું જ્યારે મા કહીને બોલાવે છે
મારામાં હું જીવી ઊઠું છું.
- મીના છેડા
સ્પર્શના ચાહક, ગઝલમાં આવ તું,
યાદની માદક, ગઝલમાં આવ તું,
ધૂળની ડમરી ચઢે તારા વગર,
રોજની માફક, ગઝલમાં આવ તું
આ નગરમાં હરઘડી ભૂકંપ છે,
જિંદગી સાધક, ગઝલમાં આવ તું
ચાંદની આપું તને માગ્યા વિના,
ધૂપના યાચક, ગઝલમાં આવ તું
હું તરાશું ઘાટ તારા અવનવા,
આભના શાસક, ગઝલમાં આવ તું
આજ આસિફ દે ઇજન આકાશને,
ગીતના નાયક, ગઝલમાં આવ તું
- મીરા આસિફ
આજે ઘણા દિવસ પછી મને એની યાદ આવી
આમ તો કામમાં દિવસ કયાં નીકળી જાય
ખબર જ ન પડે.
પણ ખબર નહીં…..
આજે અચાનક જ કેમ
તેની ખોટ સાલે છે
આમ તો બધુ જ બરાબર છે.
પણ દિલના કોઈક ખૂણે કાંઈક ખૂંચ્યા કરે છે
કદાચ મને એની જરૂર છે.
પણ ના,
હવે એ સંબંધ તો રહ્યો નથી
કે એકબીજાની જરૂર ઊભી થાય
તો પછી શું છે જે આજે
આટલા દિવસ પછી પણ યાદ અપાવે છે………..
- જાગૃતિ વાલાણી
ઉડતી ઉડતી સોનપરી આવી ઊભી મુજ દ્વારે
શ્વેત વાદળના ઢગલા જેવી કાયા એની દૂધમલ સૌને વાંકડીયા ઝૂલ્ફા ભૂરી ચમકતી આંખો મીઠું મીઠું મલકી રહ્યા
ગુલાબ પાંદડીશા હોઠ ઝાંકળના ઝાંઝર પહેરીને રૂમઝૂમ કરતી આવી ફેલાવી બે હાથ મે તો ગાલે ચુંબન લીધા
મેઘધનુષની પાંખો પહેરી ઊડી ગઈ એ આઘે પાછું વળીને જોઉં ત્યાં તો
દીઠા મુજ ઘરની દિવાલે તાજા કુમકુમ થાપા
- ગીતા ત્રિવેદી
મ્યુઝિયમમાં
શબરીએ રામની માટે
ચાખેલાં થોડાં
બોર હતાં.
નીચે તકતીમાં
લખેલું:
‘શબરીએ ચાખેલાં બોર’.
બોર ઉપર
મેં વાંચ્યું:
‘મેઇડ ઇન ચાઇના’!
- સુરેશ ઝવેરી
તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ
મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ
જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ
આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ
છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ
આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ
બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ
હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ
પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મકતા ન મોકલાવ
વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ
-આદિલ મનસૂરી
કહે છે, ઉનાળો તો આંસુઓ સારે
ને કારણ પૂછું છું તો કપડાં નિતારે.
તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાં
એ હમણાં બતાવું કે કાલે સવારે ?
અહીં ક્યારનો એમ બેસી રહ્યો છું
કે પડછાયો મારો છે સામે કિનારે.
ઘણી વાર એમ જ ગગનમાં જઉં છું
મને ચાંદ પોતાના ઘરમાં ઉતારે
હવે ઊંઘ આવે તો દરિયાઓ ઢોળું
ભલી આંખ મારા જ જેવું વિચારે.
અહીં રમ્ય ખુશ્બો અને કંટકો છે
એ જાણીને જે કોઈ આવે, પધારે.
સમય હોય ડંકા તો ચાલો વગાડો
અમે જોઈએ બાર વાગે છે ક્યારે ?
- મનહર મોદી