સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

સપ્ટેમ્બર
20

અક્ષર મને સાંધે
મારા શૈશવ સાથે.

પલકારામાં
દિવસ વધીને વરસો થાય – એ વેગમાં
અવિરત ચાલ્યા કરવાનું
ઘડીભર હાંફ ઉતારવા ડોકિયું કરું
ને ઉઝરડાઓમાંથી વહી રહેલું
અસ્તિત્વ મને દેખાય.

દેખાય વહી જતો સમય ને હું
હું ક્યાં હતો ?

કાળી અંધારી ભોંય ઉપર
આંકી શકું જો એકાદ લસરકો ઉજાસનો
તો ઊઘડે રસ્તો કદાચ.

-મૂકેશ વૈદ્ય

Advertisements
સપ્ટેમ્બર
06

આ કારણ-અકારણ અજંપાથી થાક્યો;
હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો.

ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક;
અગોચર, અનાહત તમાશાથી થાક્યો.

બુલેટોની ફૂટતી નથી ધણધણાટી;
નિરંતર તકાતા તમંચાથી થાક્યો.

ન છૂટી શકાતું, ન બંધાયલો છું;
હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો.

– ભગવતીકુમાર શર્મા

સજાની હવે કેટલી રાહ જોવી ?
દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો.

ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં;
છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો.

મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા બધાંના દિલાસાથી થાક્યો.

સપ્ટેમ્બર
30

દાદા હો દીકરી, દાદા હો દીકરી,
વાગડમાં નવ દેજો રે સૈ.
વાગડની વઢિયાળી સાસુ, દોહ્યલી રે…. દાદા…

દિ’એ દળાવે મને, દિ’એ દળાવે,
રાતડીએ કંતાવે રે સૈ,
પાછલે તે પરોઢીએ પાણીડાં મોકલે રે…. દાદા…

ઓશીકે ઈંઢોણી મારે, ઓશીકે ઈંઢોણી,
પાંગતીએ સિંચણિયું રે સૈ,
સામે તે ઓરડીએ વહુ તારું બેડલું રે…. દાદા….

ઘડો ન ડૂબે મારો, ઘડો ન ડૂબે,
સિંચણિયું નવ પહોંચે રે સૈ,
ઊઠ્યો ને આથમ્યો કૂવા કાંઠડે રે…. દાદા…..

ઊડતા પંખીડાં મારો, ઊડતાં પંખીડાં મારો,
સંદેશો લઈ જાજો રે સૈ,
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે….. દાદા….

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો,
અજવાળી આઠમના આણા આવશે રે… દાદા….

Advertisements
સપ્ટેમ્બર
20

નાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ;
સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ.

વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર;
અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર.

આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક:
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક.

આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર;
બે મળીને શું જમે ? શી કરું તાં પેર ?

હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ-રેણે સ્ત્રી થાય;
તે માટે ગંગાજલ લઈને પખાલો હરિ-પાય.

હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ;
નાવિકે ગંગાજલ લઈને, પખાલ્યા તા ચર્ણ.
– ભાલણ

Advertisements
સપ્ટેમ્બર
07

હરિનો કાગળ આવ્યો આજ !
જાણે મારા હાથને ઝાલ્યો, એવી આવે લાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

હરિ લખે એ વાંચી જાવા આંખો ક્યાંથી લાવું ?
હું તો સાવ અભણ કોની પાસે જઈ વંચાવું ?
કાગળને પણ કંઠ હોત તો થોડો હોત અવાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

અક્ષર સાથે છેટું એ શું નથી જાણતા હરિ ?
કાગળ પણ લખિયો તો લખિયો પાનેપાનાં ભરી !
મને ભરી જો હોત હેતથી, કેવા કરતી સાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

કાગળનો છે અર્થ, હરિ પણ સ્મરણ કરે છે મારું,
હુંય હરિને ગમું અહો એ લાગે કેવું સારું !
હરિ તમે જાતે આવીને હેલ ઉતારો રાજ !
હરિનો કાગળ આવ્યો આજ !
– મૂકેશ જોષી

Advertisements
એપ્રિલ
30

પામીને તને પામવાની ઝંખના તીવ્ર બનતી જાય છે.
તને ખોવાના ખ્યાલ માત્રથી હૃદય દ્વવી જાય છે
એવું શું છે તમારામાં
જે મને તમારાથી બાંધી રાખે છે
ભૂલી જવા મથું છું તમને
પણ ભૂલી શકતી નથી.
મળ્યા ત્યારે પામવાની ઝંખના
અને પામીને તને ખોવાની વ્યથા
શું તમે ક્યારેય એ સમજી શકશો?
કે પછી હું તમને ક્યારેય એ સમજાવી શકીશ!
– જાગૃતિ વાલાણી

Advertisements
એપ્રિલ
10

સમુદ્રની ખારાશ લઈને વાતા પવનો હોય, કે
ગોરંભાયેલા ભર્યાં ભર્યાં કાળાં વાદળાંઓને ફંગોળાય
પવનચક્કી ફર્યા કરે છે
ગોળગોળ
પૃથ્વી ફર્યા કરે છે
ગોળગોળ
ઘાંચીનો બળદ ફર્યા કરે છે
ગોળગોળ
આંખની કીકી મારી
ગોળગોળ
જોયા કરે છે બધું
આશ્ચર્યવત્
કોને ખબર છે આ બધું ચાલ્યા કરશે ક્યાં સુધી આમ……….
ગોળગોળ
 – જયા મહેતા

Advertisements
માર્ચ
28

મા એટલે વાત્સલ્યની વીરડી
મા એટલે સાક્ષાત પ્રેરણામૂર્તિ
મા એટલે પ્રેમનો ઘૂઘવતો સાગર
મા એટલે ભીની માટીની મહેક
મા એટલે મીઠી પવનની લહેર
મા એટલે આશાઓનું કિરણ
મા એટલે સુખની ચરમસીમા
મા એટલે શિક્ષકોની શિક્ષક
મા એટલે મમતાનો હીંચકો
મા એટલે હૃદયનો ધબકાર
મા એટલે વૃક્ષની છાયા
મા એટલે અમૃતકુંભ
મા એટલે કુટુંબની સૂત્રધાર
મા એટલે જીવનનું સંગીત
મા એટલે સુખદુ:ખની સાથી
મા એટલે વહાલની પરિભાષા
મા એટલે અદભૂત શક્તિ
મા એટલે સર્વસ્વ
સ્વથી સર્વમાં વહેંચાય જનાર છે મા……..
– જાગૃતિ વાલાણી

Advertisements
માર્ચ
12

કર્મનો ઉપહાર કર
પ્યાર મળશે પ્યાર કર
થઈ જશે અતૃપ્ત સૌ
તું તને ચિકકાર કર
બાગ થઈ ખીલું દિલે
દર્પનો મલ્હાર કર
મોત દેશે પારખાં
જીવવા નિર્ધાર કર
”શૈલ છું” સાંખુ જખમ
શિલ્પતાથી વાર કર
– શૈલ પાલનપુરી

Advertisements
જાન્યુઆરી
31

પ્રશ્ન : ભાઈ ! તમને ઠંડી લાગે ત્યારે તમે શું કરો છો ?
કંજૂસ : હું મીણબત્તી પાસે બેસી જાઉં.
પ્રશ્ન : તોય ઠંડી લાગે તો શું કરો ?
કંજૂસ : હું મીણબત્તી સળગાવું બીજું શું ?

સ્ત્રી : ‘ડૉકટર, મારા પતિ ઊંઘમાં બડબડાટ કરે છે એનું કંઈક કરો !’
ડૉકટર : ‘હું દવા આપું છું પછી બડબડાટ બંધ થઈ જશે.’
સ્ત્રી : ‘ના બડબડાટ બંધ નથી કરવાનો. સ્પષ્ટ સંભળાય એવું કરો !’

દીકરો : પપ્પા, આફ્રિકાના કેટલાક ભાગોમાં પુરુષ પરણે ત્યાં સુધી એની પત્નીને ઓળખતો નથી હોતો એ સાચું છે ?
પિતા : બેટા, એવું તો બધા દેશોમાં બને છે. પરણે ત્યાં સુધી નહીં, પરણ્યા પછી પણ નથી ઓળખતો.

એક માણસ દવાવાળાની દૂકાને ગયો. ‘મને ઝેર આપો’.
કેમિસ્ટે ના પાડી, ‘હું તને ઝેર ના વેચી શકું.’
માણસે ખિસ્સામાંથી પત્નીનો ફોટો કાઢીને બતાવ્યો. કેમિસ્ટ બોલ્યો. ‘ઓહ ! સોરી હં….. મને ખબર નો’તી કે તમે પ્રિસ્ક્રિપ્શન પણ લાવ્યા છો !’

Advertisements