સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

દાદા હો દીકરી – લોકગીત

દાદા હો દીકરી, દાદા હો દીકરી,
વાગડમાં નવ દેજો રે સૈ.
વાગડની વઢિયાળી સાસુ, દોહ્યલી રે…. દાદા…

દિ’એ દળાવે મને, દિ’એ દળાવે,
રાતડીએ કંતાવે રે સૈ,
પાછલે તે પરોઢીએ પાણીડાં મોકલે રે…. દાદા…

ઓશીકે ઈંઢોણી મારે, ઓશીકે ઈંઢોણી,
પાંગતીએ સિંચણિયું રે સૈ,
સામે તે ઓરડીએ વહુ તારું બેડલું રે…. દાદા….

ઘડો ન ડૂબે મારો, ઘડો ન ડૂબે,
સિંચણિયું નવ પહોંચે રે સૈ,
ઊઠ્યો ને આથમ્યો કૂવા કાંઠડે રે…. દાદા…..

ઊડતા પંખીડાં મારો, ઊડતાં પંખીડાં મારો,
સંદેશો લઈ જાજો રે સૈ,
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે….. દાદા….

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો,
અજવાળી આઠમના આણા આવશે રે… દાદા….

No Responses to “દાદા હો દીકરી – લોકગીત”

Leave a comment