સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

જાન્યુઆરી
24

હક હતો, માંગતા શરમ આવી,
હાથ ફેલાવતાં શરમ આવી.
ઘરથી મસ્જિદ છે બે કદમ છેટે,
એટલું ચાલતાં શરમ આવી.
મારી પાસે હજાર અનુભવ,
પણ દાખલો આપતાં શરમ આવી.
ડોળ કરવો પડ્યો, અજાણ્યા છે,
નામ ઉચ્ચારતાં શરમ આવી.
આયના રૂબરૂ નજર કરતાં,
સામસામે થતાં શરમ આવી.
પારકાનો તમાશો જોયો,
પણ- ખુદનું ઘર બાળતાં શરમ આવી.
આંખ ‘નાશાદ’ પાણી પાણી છે,
અંતરે ઝાંખતાં શરમ આવી.
– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

Advertisements
જાન્યુઆરી
10

દિવાળીના
દીવા
લાગ્યા
અંધારાં
પીવા,
માણસને
જોઈ
માણસ
શાને
લાગે બીવા?
– ફિલિપ કલાર્ક

નવેમ્બર
14

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;

આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા,
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી,
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

ઓક્ટોબર
25

ઈશ્વરના મેં વાઘા જોયા,
ત્યાં પણ દોરાધાગા જોયા.

 પાર વગરનાં છટકાં જોયાં,
જ્યાં જ્યાં ટીલાંટપકાં જોયાં. 

દેખાવે તો એક જ લાગે,
એમાં દસદસ માથાં જોયાં!

સગપણને શું રોવું મારે,
વળગણમાં પણ વાંધા જોયા.

ભીનું જેવું સંકેલાયું,
ગંગાજળના ડાઘા જોયા!

વિધવા સામે કંકુ કાઢે,
અવતારી સૌ બાબા જોયા.
– સુરેશ ઝવેરી

ઓક્ટોબર
16

ગુજરાતી જગતના સૌ વાચકમિત્રો અને બ્લોગ લખતા મારા સ્નેહીમિત્રોને દિવાળીના શુભ પર્વે શુભકામનાઓ….. આપ સૌનું નવું વર્ષ ખુશખુશાલીઓથી સમૃદ્ધ હોય એવી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના……..

શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન

ઓક્ટોબર
12

મારી ઇચ્છાઓ,
મારા વિચારો,
મારા ન ઇચ્છવા છતાં
વ્યક્ત થતા પ્રતિભાવો-
ક્યારેક લંબાતા એ હાથોમાં
મને મારી આંગળીઓ
ઓગાળી નાખવાનું મન થાય છે.
પણ તમારી અને મારી
વચ્ચે રહેલું પાંપણ જેવડું
અંતર કદાચ દુનિયાની
કોઈ પણ સીમાઓ ઓળંગી
નહીં શકે.
તમારા-મારા સવાલના
જવાબ કદી મળશે?
– આશા ગોસ્વામી

ઓક્ટોબર
02

લાગણીના વમળમાં હૃદય કોરાય છે.
આંસુઓથી આંખના ખૂણા ભીંજાય છે.

દિમાગમાં અહીંથી તહીં બધુ ખોવાય છે.
રોજ નવીને નવી યાદો ઘડાય છે.

સંબધોના સમીકરણમાં જીવન અટવાય છે.
છતાં ક્યાંક કાંઈક ધોવાય છે.

આ જ છે જિંદગીની દાસ્તાન
તો પણ દિલ ક્યાંકને ક્યાંક જોડાય છે
અને સંબંધોના નવા સમીકરણ બંધાય છે.
-જાગૃતિ વાલાણી

સપ્ટેમ્બર
15

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
….ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
….કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
…..કવાથ કૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
…..ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.
– રાજેન્દ્ર શાહ

સપ્ટેમ્બર
05

ખુદ સમંદર ઉડીને નદીને મળે,
કાર્ય એવું ઉપાડી લીધું વાદળે.

ફૂલને એણે કરમાવાં દીધાં નહીં,
સૂર્યનો તાપ શોષી લીધો ઝાકળે.

સિંધુ બનવાની એની તરસ જોઈને,
રણને છલકાવી દેવું પડયું મૃગજળે.

ચાંદ તો છે પ્રથમથી જ ચહેરા ઉપર,
તારલા પણ હશે આંખના કાજળે.

ક્યાંક રસ્તે ભટકવા ન નીકળી પડે,
એટલે ઘરને બાંધી દીધાં સાંકળે.

જે હ્રદયના હિમાલયથી ઉતરી પડી,
એ ગઝલગંગા ઝીલી લીધી કાગળે.

દાટી દીધાં કબરમાં જે બેફામને
એ કયામત થતાં જીવતાં નીકળે.
– બરકત વીરાણી

ઓગસ્ટ
30

માટીના કોડિયે પડી ઠરતા દીવાની વાટ
અંતે તો ખૂબ તરફડી ઠરતા દીવાની વાટ

કાળો લિબાસ પહેરીને બેઠી છે ગોખલે
ઊભી થશે ના અબઘડી ઠરતા દીવાની વાટ

સરનામું હવે ક્યાં રહ્યું એ ઝળહળાટનું ?
અંધારયુગમાં જઈ ચડી ઠરતા દીવાની વાટ

દીવેલ જ્યારે સાવ ખૂટી જાય તે પછી
જાણે મરેલી ચામડી ઠરતા દીવાની વાટ

ઘસતા રહ્યા છે હાથ આ બાકસ-દીવાસળી
સૂરજની પાસે જઈ રડી ઠરતા દીવાની વાટ

જાણે સીતાજી હોય એમ અગ્નિપરીક્ષા દઈ
પોઢી ગઈ છે બે ઘડી ઠરતા દીવાની વાટ

મંદિરમાં ભાવ કોઈ એનો પૂછતા નથી
ઈશ્વરની વાટે જઈ ચડી ઠરતા દીવાની વાટ
– અનિલ જોશી