સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Apr
07

* કીડીએ હાથી સાથે લગ્ન કર્યાં. હાથીની સાસુએ હાથીને ઘરનું બધું કામકાજ સોંપ્યું. એક દિવસ હાથી પોતું મારતો જાય ને રડતો જાય. સાસુએ પૂછ્યું : ‘અલ્યા એય રડે છે કાં ?’
હાથી તો ડૂસકે ચડી ગયો : ‘આ હું ક્યારનો પોતાં મારું છું ને તમારી દીકરી પગલાં પાડ્યા જ રાખે છે !!’

* હાથી મરી ગયો. કીડી છાની જ ન રહે. બધા ભેગા થઈને એને છાની રાખે… કીડી રડતાં રડતાં કહે : ‘એ મરી ગયો એટલે હું નથી રડતી. હું તો એટલા માટે રડું છું કે હવે મારી આખી જિંદગી આની કબર ખોદવામાં જશે !’

* બે કીડી રંગ લઈને ધુળેટી રમવા જતી હતી, રસ્તામાં એક હાથીને જોયો એટલે એક કીડીએ બીજી કીડીને પુછ્યુ કે આપણે આને રંગવો છે? ઍટલે બીજી કીડીએ કીધુ કે જવા દે ને - બીચારો એકલો છે.

Mar
31

ધરતીનો છેડો છે ઘર
કૂંડાળામાં રોજ સફર

જે ના ઓળંગે ઉંબર,
એ ‘માને ઘર સચરાચર!’

ઘર માંહે ઊંડા સાગર….
ઘર માંહે ઊંચા ડુંગર….

સાંજે થતું: પહોચું ઘર!
બીજે દી લાગે પિંજર!!

છોડી અથવા છૂટી ગઈ જે,
ગોદ ક્યાં પામે આખર?!

કહે છે કે એ મીઠું મધરક,
આલીશાન અગર હો જર્જર!

કોઈ બડભાગી પામે બે!
કોઈ હૈયાકૂટો બેઘર!!

- બકુલેશ દેસાઈ

Mar
27

નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી;
પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી !

રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ?
સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી !

ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની,
અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ?

જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને
સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી !

ચલો સહચરો ! સહે ચલનની મઝા માણીએ !
દિલેદિલ મિલાવવા દિલથી બૂમ પાડી હતી !

ઊડે ભ્રમર બાગમાં, ગુનગુને મીઠા રાગમાં !
સુણી મિલન ગીત આંખ કળીએ ઉઘાડી હતી !

ન ભગ્ન થઈ જાય સુપ્ત કંઈ સૂરના તાર સૌ !
સિતાર હળવે અને સિફતથી ઉપાડી હતી !

- શેખાદમ આબુવાલા

Mar
21

8755-002-38-1062.gif

Mar
15

તારા ચહેરાના રંગની ચરૂડી
ઠારે છે પ્યાસ રૂડી
કે જીવતર પ્યાસું…પ્યાસું…!

તારા જુલ્ફોના રંગની કડાયું;
તરલાપશીએ ગાયું
કે જીવતર લૂખું…લૂખું…!

તારા અમરતિયા વાયદાળુ હોઠે
ખોવાઉં સ્વપ્ન પોઠે
કે જીવતર ખારું…ખારું…!

તારા હૈયાના ધક્ક…ધક્ક…સ્પર્શે
પગરવનાં પાન તરસે
કે જીવતર સૂનું…સૂનું…!

- અગમ પાલનપુરી

Mar
07

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ !
પણ કલરવની દુનિયા અમારી !
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી !
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો
બંધ પોપચામાં રંગોની ભાત,
લોચનની સરહદથી છટકીને રણઝણતું
રૂપ લઈ રસળે શી રાત !
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી !
ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી
નાતા આ સામટી સુગંધ,
સમા સમાના દઈ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ !
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી !

- ભાનુપ્રસાદ પંડયા

Mar
05

Foorprints

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું. સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો.

આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને એક જોડ ઈશ્વરના પગલાંની.

થોડા વખતમાં તેને વીતેલા જીવનના પાછલા દશ્યો દેખાયાં. અરે આ શું? આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ. વળી તેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો. જયારે તે ખૂબ ક દુ:ખી હતો ત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ. તે ઈશ્વર પ્રત્યે નારાજ થઈ ગયો. તેણે ઈહ્સ્વરને કહ્યું, ‘ભગવાન, આવું કરવાનું? આખું જીવન મારી સાથે ને સાથે રહેવાનું તમે વચન આપેલું. તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ દેખાય છે? ખરે વખતે જ મને છોડી દીધોને?’

ભગવાન ધીમું હસ્યા અને કહે, ‘અરે ગાંડા, આખું જીવન હું સાથે ને સાથે જ છું.’

‘તો પછી…..’

‘સાંભળ તો ખરો. તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે. એ વખતે મેં તને તેડી લીધેલો.’

- પ્રાર્થના ‘ફૂટપ્રિન્ટસ’માંથી

Mar
01

ક્યાંક જો ફંટાય છે રસ્તા
તો પછી ખોવાય છે રસ્તા

ને તિરાડો લાખ પૂરીએ
તોય ક્યાં સંધાય છે રસ્તા?

આંખમાં આંજો જરા શમણું
તો નવા પથરાય છે રસ્તા

માત્ર એક ડગલું ભરી ચાલો
પહાડમાં કોરાય છે રસ્તા.

છે બધાની એક તો મંઝિલ
કેમ નોખા થાય છે રસ્તા?

ભાર વેંઢારી અમે થાક્યા
કેટલા લંબાય છે રસ્તા!

હા, ‘વિજય’ ચાલ્યા ગયા લોકો
એકલા વળ ખાય છે રસ્તા.

- વિજય સેવક

Feb
16

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું!

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ યાદ આવે તો કહું!

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઈ થોડું ખળભળાવે તો કહું!

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું!

કોઈને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું!

- રાજેન્દ્ર શુક્લ

Jan
31

images.jpg

વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે (૨)
તેનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન….
વૃંદા તે વનને મારગડે જાતાં દાણ દહીંના માગે છે. વૃંદાવન….
વૃંદા તે વનની કુંજગલીમાં, રાધા ને કૃષ્ણ બિરાજે છે. વૃંદાવન….
પીળાં પીતાંબર જરકસી જામા,
વહાલાને પીળો તે પટકો રાજે છે…વૃંદાવન….
કાને તે કુંડળ, મસ્તકે મુગટ,
વહાલા! મુખ પર મોરલી શોભે છે… વૃંદાવન….
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, થૈ થૈ થૈ થૈ નાચે છે. વૃંદાવન….
અમે સૂતાં’તાં ભર નિદ્રામાં નણદલ વેરણ જાગે છે. વૃંદાવન….
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ દર્શનથી ભીડ ભાગે છે. વૃંદાવન….

- મીરાંબાઈ