નાવિક વળતો બોલિયો
નાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ;
સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ.
વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર;
અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર.
આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક:
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક.
આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર;
બે મળીને શું જમે ? શી કરું તાં પેર ?
હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ-રેણે સ્ત્રી થાય;
તે માટે ગંગાજલ લઈને પખાલો હરિ-પાય.
હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ;
નાવિકે ગંગાજલ લઈને, પખાલ્યા તા ચર્ણ.
- ભાલણ