હરિનો કાગળ
હરિનો કાગળ આવ્યો આજ !
જાણે મારા હાથને ઝાલ્યો, એવી આવે લાજ !
હરિનો કાગળ આવ્યો આજ !
હરિ લખે એ વાંચી જાવા આંખો ક્યાંથી લાવું ?
હું તો સાવ અભણ કોની પાસે જઈ વંચાવું ?
કાગળને પણ કંઠ હોત તો થોડો હોત અવાજ !
હરિનો કાગળ આવ્યો આજ !
અક્ષર સાથે છેટું એ શું નથી જાણતા હરિ ?
કાગળ પણ લખિયો તો લખિયો પાનેપાનાં ભરી !
મને ભરી જો હોત હેતથી, કેવા કરતી સાજ !
હરિનો કાગળ આવ્યો આજ !
કાગળનો છે અર્થ, હરિ પણ સ્મરણ કરે છે મારું,
હુંય હરિને ગમું અહો એ લાગે કેવું સારું !
હરિ તમે જાતે આવીને હેલ ઉતારો રાજ !
હરિનો કાગળ આવ્યો આજ !
- મૂકેશ જોષી
ખૂબજ રચના. હરિએ લખેલો કાગળ કોઈ વાંચી શકે અને સમજી શકે એ વાતજ પ્રભુ પ્રેમની નિશાની છે.
“સાજ” મેવાડા
venunad - 26/03/07 at 5.03 |