સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

માધવ કયાંય નથી મધુવનમાં

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં:
માધવ, કયાંય નથી મધુવનમાં.
કાલિન્દીના જલ પર ઝૂકી પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં:
માધવ, કયાંય નથી મધુવનમાં.
કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી કયાં કરતી!
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં:
માધવ, કયાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસમટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અવ લગ કંકર એક ન લાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાળજ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં:
માધવ, કયાંય નથી મધુવનમાં.

- હરીન્દ્ર દવે

One Response to “માધવ કયાંય નથી મધુવનમાં”

  1. આપની કવિતાઓમા જે વૈવિધ્યતા છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે.આ કવિતાને હું ઘણા સમયથી શોધતો હતો. આ કદી ન ભુલાય એવી કવિતાઓમાની એક છે કે જેનો ગુજરાતી સાહિત્યની સર્વોતમ કવિતાઓમા સમાવેશ કરવામા આવે તો તેમા કોઈ અતિશયોક્તિ નથી ….ખુબ ખુબ ધન્યવાદ.

    હિરેન


Leave a Reply