હવે આવજો…
પાનખર આવી ને તમે લીધી વિદાય
હવે આવી વસંત, હવે આવજો
ઘરની પછાતમાં આંબાના મોરને
વાચા ફૂટી છે સુગંધની
કેસૂડાએ વાયરાને કીધી રે વાત
કોયલથી બાંધ્યા સંબંધની
હોળીના રંગ સંગ ઊડશે ગુલાલ
તમે આવીને હૈયું ભીંજાવજો
હવે આવી વસંત, હવે આવજો
ફૂલોને ઘેર જઈ ભમરાઓ ગુંજતા
ને રમતાં પતંગિયાઓ રાસ
વસતી વસંતની જીવતરમાં તોય સૂનો
અંતરનો મારો આવાસ
ફૂલોની માળામાં બાંધ્યા સદાયના
એવા સગપણને આવી સજાવજો
હવે આવી વસંત, હવે આવજો..
- મેઘબિંદુ
Loading...